‘આજથી દસ વર્ષ પહેલાં તેં જે કર્યું એ હું ભૂલ્યો નથી. મારી પાસે એના પ્રૂફ છે. તે મારી સાથે છેતરપિંડી કરી છે, તું ખોટું બોલી છે.’ ફોન ઉપર એક પુરુષ એક સ્ત્રીને કહી રહ્યો છે.
‘મેં એ માટે માફી માગી છે. મને અફસોસ છે, પણ મેં જાણીજોઈને તને દુ:ખ પહોંચાડવાનો પ્રયત્ન નથી કર્યો, બલકે સત્ય તો એ છે કે હું તને પ્રેમ કરું છું એટલે તને દુ:ખ ન થાય એટલા માટે મેં ખોટું કહ્યું હતું.’ સ્ત્રી ગળગળી થઈને કહી રહી છે, ‘તું ભૂલીશ નહીં તો આ સંબંધ કોઈ રીતે શાંત અને સુખી નહીં થઈ શકે. એ પછી આપણે કેટલો સારો સમય સાથે ગાળ્યો છે, એ તું ભૂલી ગયો?’
‘હા, પણ મને એ દરેક વખતે તારી બેવફાઈ તો ભુલાઈ જ નથી.’ પુરુષ કહે છે.
એમની વચ્ચે આ સંવાદ કદાચ પચાસમી વાર થઈ રહ્યો હશે. સ્ત્રીની ધીરજ કદાચ આજે ખૂટી છે. એ ઉશ્કેરાઈને પુરુષને કહે છે, ‘તો છોડી દે મને. હું પ્રોસ્ટિટ્યૂટ છે, સ્ટલ છું, એક ચાલુ સ્ત્રી છું, બસ? તું એટલા પ્રૂફ જ યાદ રાખ અને મારી કોઈ પણ સારી વાતો યાદ રાખવાનો પ્રયાસ નહીં કરતો.’ અંતે એ સ્ત્રી કહી નાખે છે, ‘તું વારંવાર વિશ્વાસઘાત, વિશ્વાસઘાત કહે છે, પરંતુ તે મારા ફોનનું વોટ્સએપ હેક કરીને, મારા ઈ-મેલ હેક કરીને મારા વિરુદ્ધ પુરાવા ભેગા કર્યાં એ વિશ્વાસઘાત નથી? તારી બાજુમાં સૂતેલી સ્ત્રીનો ફોન લઈને એની પ્રાઇવસીમાં પ્રવેશ કરવો, એ છેતરપિંડી નથી?’
દલીલબાજીનો કોઈ અંત નથી. સમજવાની વાત એ છે કે, અમુક વર્ષો પહેલાં બનેલી ઘટના એટલા વર્ષો પહેલાં બની જ ચૂકી છે. હવે એક ક્ષણમાં જઈને ઘટના બદલી શકાવાની નથી એની આપણને ખબર જ હોય, તો આપણી પાસે બે જ રસ્તા રહે છે. પહેલી, ઘટનાને ભૂલી જઈ અને વ્યક્તિને ચાહતાં રહીએ અને બીજી, વ્યક્તિને ભૂલી જઈ અને ઘટનામાં પીડાતાં રહેવું.
મોટાભાગના લોકોની જિંદગીમાં એ બીજા પ્રકારની પસંદગી કરે છે. આપણે વ્યક્તિને છોડવી નથી હોતી. એ પત્ની હોય, પ્રેમિકા હોય, પતિ હોય, પ્રેમી હોય, ક્યારેક સંતાન હોય, મિત્ર હોય, પરંતુ એની સાથે બનેલી કડવી ઘટના આપણને ભુલાતી નથી. આ જગતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ માણસ છે. એનામાં માણસ તરીકેની નબળાઈઓ કે કેટલીક વાર લાલચ સામે ઝૂકી જવાની વિકનેસ હોય તો એ એના અસ્તિત્વનો હિસ્સો છે. દરેક માણસ સ્ટ્રોંગ અને મોરલી પરફેક્ટ ન જ હોય, એટલું તો આપણે પણ સમજીએ છીએ. તેમ છતાં, સામેની વ્યક્તિ પાસેથી પરફેક્શનની અપેક્ષામાં આપણે સંબંધને એવી જગ્યાએ લાવીને મૂકી દઈએ છીએ, જ્યાંથી ન આગળ જઈ શકાય, ન પાછા આવી શકાય!
આપણે સંબંધ જોઈએ છે, વ્યક્તિ જોઈએ છે, પણ આપણી શરતે! આપણે કોઈ પણ પરિસ્થિતિને ચલાવી લેવા કે ક્ષમા કરવા તૈયાર નથી. જેને પ્રેમ કરીએ છીએ એના નાનકડા સ્ખલન કે ભૂલને માફ કરવા તૈયાર નથી. એ કયા પ્રકારનો પ્રેમ છે?
કેટલીક વાર એવું બનતું હોય છે કે વ્યક્તિ તરીકે આપણા સંબંધોની નબળાઈ સામેની વ્યક્તિ જાણતી હોય તેમ છતાં, એનો સ્વભાવ, એની પ્રકૃતિ આપણને એ નબળાઈ વારંવાર દેખાડવાની એને રજા ન આપતી હોય. એને માટે પ્રેમ જ મહત્ત્વનો હોય, નાની-નાની તકલીફોને પેલે પાર એને માટે આપણી સાથેના સંબંધોનું મહત્ત્વ વધારે હોય. જો આપણને આવી કોઈ વ્યક્તિ મળી હોય તો એમ માનવું કે આપણે નસીબદાર છીએ. જેને આપણામાં કંઈ બદલવાની, સુધારવાની જરૂર નથી લાગતી. એ વ્યક્તિએ આપણને આપેલો સ્વીકાર અને સ્નેહ મેળવવા માટે આપણે પાત્ર બન્યા એ વાતે ઇશ્વરનો આભાર માનવો જોઈએ, પરંતુ મોટાભાગના લોકોનો પ્રશ્ન એ હોય છે કે એ પોતાની પ્રિય વ્યક્તિની આવી નાનકડી ભૂલ કે સ્ખલનને આગળ ધરી ધરીને એને નીચા પાડવામાં એક વિચિત્ર પ્રકારનો સંતોષ અનુભવે છે! સામેની વ્યક્તિની આવડી મોટી ભૂલ છતાં પોતે ‘કેવું ચલાવી લે છે!’ એ વાતે પોતાની પીઠ થાબડવામાંથી કેટલાક લોકો ઊંચા નથી આવતાં. એમને માટે સ્નેહ, પ્રેમ કે સંબંધથી વધુ મહત્ત્વ એ વાતનું છે કે સામેની વ્યક્તિએ પોતાની સાથે ખોટું કર્યું અને પોતે એ વાતનો ભોગ બન્યા છે!
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુ:ખ હોય, તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી, કારણ કે જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણુંબધું જોઈતું હોય છે. વ્યક્તિને છોડવાની કે સંબંધમાંથી બહાર નીકળવાની હિંમત ન હોવા છતાં એ સંબંધમાં નિરાંતે રહેવાની પણ કેટલાંક માણસોની પ્રકૃત્તિ નથી હોતી. જો પ્રેમ મહત્ત્વનો હોય તો ભૂતકાળની એક નાનકડી ભૂલને ભૂલીને પ્રેમનો ઉત્સવ ઊજવવો જોઈએ અને જો ભૂલ મહત્ત્વની હોય તો પ્રેમને ભૂલી જવો જોઈએ, આવી સાદી સમજણ પણ કેટલાક લોકોમાં હોતી નથી. સાથે રહેવું, સંબંધમાંથી મળતી બધી સગવડો અને સુખ ભોગવવા, પરંતુ એ બધાં પછી જ્યારે જ્યારે તક મળે ત્યારે સામેની વ્યક્તિને તેની ભૂલ યાદ કરાવીને તિરસ્કૃત, અપમાનિત અનુભવ કરાવવાનું મોટાભાગના લોકોને માફક આવી ગયું હોય છે. એમને ખબર છે કે એ જેટલી વાર પેલી ભૂતકાળની ભૂલની તલવાર ઉગામશે, એટલી વાર સામેની વ્યક્તિને ઉઝરડો પાડીને એને પીડા આપવામાં એમને મજા આવવાની છે. પોતાની જ પ્રિય વ્યક્તિને આમ નાની બાબતમાં અપમાનિત કરવાની મજા કેવી રીતે આવી શકે? જેને પ્રેમ કરતાં હોઈએ એનું સન્માન કરવું અનિવાર્ય છે. સન્માન વગરનો સ્નેહ ક્યાંય સંભવી શકે જ નહીં.
જૂની ભૂલ યાદ કરીને, કરાવીને જે લોકો અવારનવાર પોતાની પ્રિય વ્યક્તિને ઘૂંટણિયે પાડવાનો આનંદ લે છે, એ બધાં જ બીજું જે કરતાં હોય તે, પણ પ્રેમ નથી કરતાં એટલું નક્કી છે. હવે સવાલ એ છે કે, જો ભૂતકાળમાં બનેલી એકાદ બેવફાઈ, બેઇમાનીની ઘટના વારંવાર યાદ આવતી હોય અને સતત અસલામતીનો અનુભવ થતો હોય તો શું થઈ શકે? આપણા પ્રેમ પર, આપણા વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવાનો પ્રયત્ન એ આ પરિસ્થિતિનો ઉત્તમ ઉપાય છે. પૂછનારા એમ પણ પૂછે છે કે એક વાર, ત્રણ વાર કેટલી વાર વિશ્વાસ રાખવાનો? તો એનો જવાબ એ છે કે, જ્યાં સુધી આપણી ભીતર પ્રેમ છે ત્યાં સુધી થઇ શકે એટલી વાર વિશ્વાસ કરવાનો. વીંછી અને સાધુની કથા આપણે બહુ વાર સાંભળી છે, પણ જિંદગીમાં એક વાર પણ એનો અમલ કરવાની આપણી તૈયારી નથી, એવું કેમ? જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ કદાચ પોતાની એકાદ નાની ભૂલને કારણે-નૈસર્ગિક આકર્ષણ કે થ્રિલની કોઈ મૂર્ખ જેવી ખેવનાને કારણે કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે ખેંચાયા હોય તો એ તમને કેમ છોડી નથી ગયા, એ સવાલ માણસે પોતાની જાતને પૂછવાની જરૂર છે. જે વ્યક્તિ પોતાના આકર્ષણને કારણે અન્ય વ્યક્તિ તરફ ખેંચાઈ ગઈ એ જો તમને છોડી નથી શક્યાં અથવા તમારા આટલા બધા અપમાન અને બ્લેકમેલિંગ પછી પણ બધું સહન કરીને તમારી સાથે રહે છે, સંબંધને નોર્મલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો એ એની મજબૂરી નથી, એની મોહબ્બત છે, એટલું સમજીને સંબંધને એક વધુ ચાન્સ આપવાનો પ્રયત્ન જરૂર કરી જોઈએ.